મૌલિક ધામેચા, અમદાવાદ: ટ્રેઈની PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા કેસમાં પરિવારે આખરે મૃતદેહની અંતિમ વિધિ કરવાનું નક્કી કરી લીધું છે. ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી અને ગુરુવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પરિવારની મુલાકાત લઈ ને નિવેદન નોંધી પિતા સત્યેન્દ્રસિંહ રાઠોડ ની ફરિયાદ નોંધી લીધી છે ફરિયાદમાં કરાઈના ડીવાયએસપી એન પી પટેલ વિરુધ્દ 377 અને 306 મુજબ નો ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે આ ફરિયાદ નોંધાતા પરિવારને સંતોષ થયો છે. માંગણી સંતોષાતા હવે મૃતક પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડના મૃતદેહની આજે વાડજ સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે. સાથે સાથે મૃતકના પિતાએ માંગ કરી છે કે આટલા દિવસ સુધી જે તપાસમાં જે ઢીલ થઇ તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવે.
અત્રે જણાવવાનું કે અમદાવાદમાં પીએસઆઈ દ્વારા ઉપરી અધિકારીના ત્રાસને કારણે આત્મહત્યાનો મામલો દિવસે ને દિવસે વધુ ગરમાતો જોવા મળ્યો હતો. દેવેન્દ્ર સિંહના પરિવારે આત્મહત્યાના ચોથા દિવસ ગુરૂવારે પણ મૃતદેહ સ્વિકાર્યો નહતો. પરિવારની માગણી હતી કે જ્યાં સુધી મૃતકને ત્રાસ આપનાર DySPને ફરજમુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વિકારશે નહીં. સાથે જ પરિવારે રાજ્ય છોડી દેવાની પણ ચિમકી પણ ઉચ્ચારી હતી.
‘DYSP એન.પી.પટેલ મારા પતિને સજાતીય સંબંધો બાંધવા દબાણ કરતા’
આત્મહત્યા કરનારા પીએસઆઈ દેવેન્દ્ર સિંહ રાઠોડનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો રેહવાસી છે. તેનો આખો પરિવાર ભારતીય સેના અને પોલિસમાં સેવા આપી ચૂક્યો છે. તેના પતિ રાજેન્દ્ર સિંહ રાઠોડ પણ અત્યારે નિવૃત્ત આર્મી ઓફિસર છે. રાજ્યના પોલિસ વડા શિવાનંદ ઝા દ્વારા કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપાયાના 24 કલાક પસાર થઈ ગયા હોવા છતાં હજુ પણ એક પણ પોલિસ અધિકારીએ તપાસ માટે પરિવારનો સંપર્ક સાધ્યો ન હોવાનો પરિવારનો આરોપ છે. ત્યાર બાદ ગઈ મોડી સાંજે સરકાર દ્વારા સમગ્ર કેસની તપાસ માટે SITની રચનાની પણ જાહેરાત કરાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારીએ પરિજનોનો સંપર્ક ન કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે.
મૃતકના પિતા અને નિવૃત્ત આર્મી અધિકારી રાજેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું કે, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા ખોરંભે ચડેલી છે. છેલ્લા 100 વર્ષથી અમારો પરિવાર દેશ સેવામાં જોડાયેલો છે. મારા દિકરાની આત્મહત્યાના કેસમાં ભીનું સંકેલવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં જ સ્વીકારીએ. આ સાથે જ પરિવારે ન્યાય માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવાનું નક્કી કર્યું છે.
PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા મામલો: કેસની તપાસ માટે SITની કરાઇ રચના
પરિવારને હજુ સુધી મૃતક પીએસઆઈની સ્યુસાઈડ નોટની નકલ પણ ન મળી હોવાને કારણે પરિવારને સ્યુસાઈડ નોટ મેળવવા માટે RTIનો સહારો લેવો પડ્યો છે. બુધવારે પરિવાર દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં માહિતી અધિકારના કાયદા હેઠળ સ્યુસાઈડ નોટની માગણી કરતી અરજી કરવામાં આવી છે.
પત્નીના ગંભીર આરોપ
ડિમ્પલ રાઠોડે કહ્યું કે, એન.પી. પટેલ મારા પતિને ખૂબ જ ખરાબ રીતે હેરાન કરતા હતા. એક મહિલા અને પુરુષના સંબંધ હોય તેવી રીતે પુરુષ સાથે પુરુષના સંબંધની માંગણી કરતા હતા. તે વારંવાર માગણી કરતા હતા અને જો માગણી નહીં સંતોષે તો નોકરીને લાયક નહીં રહેવા દઉં, હું તારો પગાર ખાઈ જઈશ, બદનામ કરી દઇશ, તેવી ધમકી આપતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે